Blog

This is given in English and Gujarati. The blog contains Saman Shri Shrutpragyaji’s special short messages as well as summaries of his lectures and reflections. Reading it brings inspiration, personal confidence, and spiritual upliftment.

આત્મ નિરીક્ષણથી ક્ષમાપનની યાત્રા વાયા પર્યુષણ પર્વ

આત્મ નિરીક્ષણથી ક્ષમાપનની યાત્રા વાયા પર્યુષણ પર્વ

- સમણ શ્રુતપ્રજ્ઞજી

પર્યુષણ પર્વનો સંદેશ:  

પાવન પર્યુષણ પર્વ પ્રારંભ થઇ રહ્યું છે. આ મહાન આધ્યાત્મિક પર્વનો સંદેશ છે - સ્વરુપને ઓળખો. માણસ બધા માટે સારું નરસું બધું કરે છે, માત્ર પોતાની જાતને એ ભૂલી જાય છે. પોતાને ભૂલનાર માનવી સભાન નથી હોતો, સભાન ન હોય એ ભૂલો કરવાનો જ છે. જાતને શા માટે ઓળખવી? આવો પ્રશ્ન થઇ શકે. જાતને એટલે ઓળખવાની છે કે જે કંઈ મહત્વનું છે એ માનવીની ભીતરમાં છે. દુનિયાનું શ્રેષ્ઠ પ્રદાન એને જ કર્યું છે જે ભીતરના પારખું હતાં. આજે માણસને પોતાને માટે જ સમય નથી. સમય નથી કહેવું પણ યોગ્ય નથી, મૂળમાં પોતાનામાં રુચિ નથી. એ કારણે જ માણસ પાસે બહારનું બધું હોવા છતાં એ અંદરથી દુઃખી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને જન્મની સાથે આ બધું જ્ઞાન વિરાસતમાં મળ્યું છે. પશ્ચિમી જગતે અંદરની દુનિયાને શોધવાની હવે શરૂઆત કરી છે. 

આપણી પાસે તો આ જ્ઞાન અને ધ્યાન સદીઓથી છે. આપણે આ અમૂલ્ય વારસાને જાણવાનું ચુકી જઈએ તો મૂર્ખ જ કહેવાઈએ ને. જૈન ધર્મએ અને મહાવીર સ્વામીએ આપણને કેટ-કેટલું આપ્યું છે. આ પર્યુષણ પર્વ એ જ સંદેશ આપે છે કે થોડીવાર પોતાની જાત સાથે બેસીએ, જેને લોકો ધ્યાનના નામથી ઓળખે છે. જાત સાથે બેસવાથી જ પોતાને ઓળખી-પારખી શકીશું. પોતાના દોષોને જોઈ શકીશું અને પોતાની અચ્છાઇઓ સાથે રૂબરૂ થઇ શકીશું. આખી દુનિયામાં તમે અનેકોને મળો તો પણ એમ ન માનતા કે તમે એકલા નથી, જાતને ન મળો ત્યાં સુધી લાખોની ભીડ વચ્ચે પણ તમે એકલા છો. લાખો મેળા અને હજારો મહેફિલો પણ ફિક્કી છે જ્યાં સુધી જાત સાથેનો ભેટો ન થાય. આ પર્યુષણ પર્વ બહારથી ડિસ-કનેક્ટ થવાનું અને જાત સાથે કનેક્ટ થવાનું શીખવે છે. જાત સાથે જે કનેક્ટ થાય એ જ જાતને કરેક્ટ કરી શકે. માંહ્યલો જાગે એવી આ પર્વમાં સાધના કરવાની છે. 

આત્મ નિરીક્ષણ 

પર્યુષણ પર્વની આરાધનાનો પ્રારંભ થવો જોઈએ આત્મ નિરીક્ષણથી અને પૂર્ણતા થવી જોઈએ ક્ષમાપનાથી. આ પર્વ માણસને જાત સાથે રૂબરૂ થતા શીખવે છે. જાતને જોયા વિના ભીતરી બદલાવ કોઈ સંજોગોમાં આવતો નથી. એટલે જ્ઞાનીઓએ કહ્યું છે: તારો મોટામાં મોટો દુશ્મન તને જે રીતે નિહાળે એ રીતે તારી જાતનું નિરીક્ષણ કરજે, અને તો જ તું તારી જાતનો મોટામાં મોટો મિત્ર બની શકીશ. 

આત્મ નિરીક્ષણ એટલે પોતાના નાનામાં નાના દોષોનું અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલોને જોવી. પોતાના દોષો અને ભૂલો જોવી એ ખૂબ જ અઘરું કામ છે. કેમ કે મારો ઈગો વચ્ચે આડો આવે છે. એ ઈગોને  બીજાના દોષો તો દેખાય છે, પણ પોતાની ભૂલો નથી દેખાતી. આત્મ નિરીક્ષણ કર્યા વિના અધ્યાત્મની શરૂઆત થતી નથી. આત્મજ્ઞાનીઓ કહે છે: આંખોમાં આંસુ ન આવે ત્યાં સુધી પોતાની ભૂલો અને દોષો જોયા જ કરજો. પર્યુષણ પર્વમાં જો આવું કરી શકીશું તો એ ભૂખે રહ્યા વિના મોટું તપ કરવા બરાબર છે. આવું તપ કરીને આપણે વધુ ઉજળા અને ભાગ્યવાન બનીશું. 

કળિયુગના પાંચ કલંક:

આ પંચમકાળના પાંચ કલંક છે. પર્યુષણના સંબંધમાં તેને સમજીએ. 

1. હિંસા યુગ: કળિયુગનું પહેલું કલંક હિંસા છે. આ યુગ હિંસાનો છે. જો કે હિંસા પહેલા પણ હતી પરંતુ અત્યારે તેને ટેક્નોલોજીના માધ્યમે ખતરનાક રૂપ લીધું છે. પશ્ચિમ તો હવે ગન ક્લચર તરફ જઈ રહ્યું છે. જ્યાં ચારેય બાજુ હિંસાનું વાતાવરણ હોય ત્યાં અહિંસાની પ્રતિષ્ઠા જીવનમાં ક્યાંથી થશે? પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રમાં શ્રાવકો માટે જે પાંચ કર્તવ્ય બતાવ્યા છે એમાં પહેલું છે - અમારી પ્રવર્તના. અમારી પ્રવર્તના એટલે જીવન વ્યવહારમાં અહિંસાની પ્રતિષ્ઠા. જૈન લોકોમાં એવા સંસ્કારો છે કે એ આઠ દિવસ બને એટલી હિંસાથી દૂર રહેશે. આઠ દિવસ જ કેમ? અહિંસાનું વધુમાં વધુ આચરણ જીવનભર થવું જોઈએ. અમારી પ્રવર્તનાના બળે જ કુમારપાળના ગુજરાતમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના આશીર્વાદથી અહિંસાની પ્રતિષ્ઠા થયેલી. 

2. સ્વાર્થ યુગ: કળિયુગનું બીજું કલંક સ્વાર્થ છે. અહિયાં લગભગ દરેક વ્યક્તિ પોતાના ન્યસ્થ સ્વાર્થના કેન્દ્રમાં જીવે છે. મારું ભલું થવું જોઈએ, મને સુખ સગવડ મળવી જોઈએ, પોતાના સ્વાર્થની પૂરતી માટે માણસને જાનવર થતા થતા વાર નથી લાગતી, જાનવરોમાં પણ ઘણીવાર માનવીયતા દેખાય છે. પોતાના સ્વાર્થ માટે માણસ માનવીય મૂલ્યો, પ્રામાણિકતા અને નૈતિકતાને ભૂલી જાય છે. આ બધા સ્વાર્થમાં પૈસાનો સ્વાર્થ સૌથી મોટો જણાય છે. પૈસા માટે માણસ દાનવ થવા તૈયાર થઇ જાય છે. માણસના મન એટલા સાંકળા થઇ ગયા છે કે તેને બીજાનો વિચાર સુધ્ધા આવતો નથી.  પર્વાધિરાજ પર્યુષણ પર્વનું બીજું કર્તવ્ય - જેનું નામ છે: "સાધર્મિક વાત્સ્લય", એ માણસને સ્વાર્થથી ઉપર ઉઠી પરાર્થ અને પરમાર્થ સાધવાની પ્રેરણા આપે છે. 

3. ભોગ યુગ: કળિયુગનું ત્રીજું કલંક છે અનિયંત્રિત ભોગ. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોનો અનિયંત્રિત ભોગ એ આજના યુગની જીવનશૈલી બની ગઈ છે.  ખાઓ, પીઓ અને જલસા કરો એ મોર્ડન યુગનું જીવન સૂત્ર છે. આ બધું કર્યા પછી પણ સાચું સુખ અને શાંતિ તો મળતી નથી, ઉલટું અશાંતિ અને દુઃખ વધારવાનો હેતુ બને છે. ભર્તુહરિ કહે છે: ભોગા રોગ ભયં: ભોગમાં રોગનો ભય છુપાયેલો છે. આ કલંકથી મુક્ત થવાનો ઉપાય પર્યુષણ પર્વ બતાવે છે. "અટ્ઠમ તપ" પર્યુષણ પર્વનું ત્રીજું કર્તવ્ય છે. અટ્ઠમ તપ ભોગ પર નિયંત્રણ રાખતા શીખવે છે.  અટ્ઠમ તપ એટલે ત્રણ દિવસ અને રાત માત્ર પાણી સિવાય કોઈ વસ્તુ ખાવી પીવી નહિ... એટલે કે ત્રણ દિવસ સુધી ઉપવાસ કરવાના હોય છે. 

4. નાસ્તિકતાનો યુગ: કળિયુગનું ચોથું કલંક છે: નાસ્તિકતા. નાસ્તિકતા એટલે આત્મા અને કર્મને ન માનવું. આજનો માણસ એટલો છીછરો થઇ ગયો છે કે એને આગળનું કશું વિચારવું જ નથી. આજે હું જે કંઈ કરી રહ્યો છું, એનું પરિણામ મારે જ ભોગવવું પડશે - આ સત્ય નાસ્તિક માણસ સાવ ભૂલી જાય છે. આ દુનિયામાં કર્મ જેવું પણ કંઈક છે અને માણસ જેવું કર્મ કરે છે તેવું ફળ તેને ભોગવવું જ પડે છે.  નાસ્તિક માણસ આત્મા, કર્મ અને પુનર્જન્મમાં માનતો નથી, પરિણામે એના પાપોને ખુલ્લો દોર મળી જાય છે. પર્યુષણનું ચોથું કર્તવ્ય છે: ચૈત્ય પરિપાટી. ચૈત્ય એટલે જ્ઞાન, ચૈત્ય એટલે પરમાત્મા, ચૈત્ય એટલે પરમાત્માની ઉપાસના, આત્માની ઉપાસના. પરિપાટી એટલે પરંપરા. પર્યુષણ પર્વ આત્મા અને પરમાત્માની ઉપાસના કરવાનો સંદેશ આપે છે. સાચી શાંતિ આત્માની પરિક્રમા કરવામાં છે. આત્માની ઉપાસના કરનાર કર્મ કરવામાં સતત સજાગ રહે છે. 

5. ક્લેશ યુગ: આજના યુગનું પાંચમું કલંક છે - ક્લેશ.. ક્લેશ એટલે નાની મોટી વાતમાં ઝગડવું, કારણ વગર રાઇને પહાડ બનાવવો. આજે તમે જુઓ તો ઘર ઘરમાં આ સમસ્યા છે. કોઈ કોઈને સાંભળવા, સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. લગભગ દરેક વ્યક્તિના મગજ ગરમ છે, કારણ વગર દુનિયાભરનો ભાર માથે લઈને ફરે છે. હું જ સાચો એવી મનોવૃત્તિ માણસને અહંકારી બનાવે છે અને અહંકારી માણસ કોઈની વાત સાંભળવા તૈયાર નથી હોતો. પરિણામે કુદરત પતનનો દરવાજો એમના માટે ખુલ્લો કરે છે. આ કલાકનું સમાધાન છે: ક્ષમાપના. પર્યુષણ પર્વનું પાંચમું કર્તવ્ય છે: ક્ષમાપના. ક્ષમાપના એટલે પોતાની ભૂલ બાળક બનીને ખુલ્લા દિલથી કોઈ પણ જાતનો બચાવ કર્યા વગર નિખાલસતા પૂર્વક સ્વીકારવી. હરિભદ્રસૂરિ કહે છે જે અનુષ્ઠાનમાં મૈત્રી અને ક્ષમા ભાવ નથી એ અનુષ્ઠાન જ નથી. ગળામાં ગાંઠ, દોરામાં ગાંઠ અને શેરડીમાં ગાંઠ હોય ત્યાં શું થાય છે એ કલ્પી શકો છો. એમ જ મનમાં શત્રુતાની ગાંઠ હોય તો બધી કરેલી આરાધના ફોક થઇ જાય છે. કલ્પસૂત્ર એ પણ કહે છે કે તમે ઉપશમ ભાવ નહિ રાખો તો વિરાધક બનો છો.  બહારથી ક્લેશ મુક્ત થવા માટે અંદરથી સંક્લેશ મુક્ત થવું પડશે. ભગવાન મહાવીર ફરમાવે છે: 

ખામેમિ સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મેં - હું બધા જીવોનું માફી આપું છું, બધા જીવો મને પણ માફી આપો 

મિત્તિમે સવ્વ ભૂએષુ વૈરં મઝઝં કેણઈ  - મારો સૌ સાથે મૈત્રી ભાવ છે, કોઈની સાથે મારી શત્રુતા નથી.    

તો, આવી રીતે આ પર્યુષણ પર્વ આત્મ નિરીક્ષણથી શરુ થાય છે અને પાંચ કર્તવ્યો દ્વારા ક્ષમાપના પર પૂર્ણતા પામે છે. આ વખતે આપણે સૌ સાચા અર્થમાં પર્યુષણમાં જ્ઞાન દર્શન અને ચારિત્ર પદની આરાધના કરી આત્માને ઓળખીએ અને ક્ષમાપના દ્વારા જીવનને ભારમુક્ત બનાવીએ. પર્યુષણ પર્વની આરાધના માટે સૌ સાધકો પ્રત્યે મંગળ કામના ....

1. આનંદનું ઉપનિષદ: આત્માનું અનુસંધાન: સમણ શ્રુતપ્રજ્ઞજી

આ વિષય રાખવા પાછળ સલક્ષ્ય કારણ છે. કારણ એ છે કે દીપાવલીનું પાવન પર્વ છે. સામાન્ય રીતે દિવાળીના દિવસે માણસ બહારમાં પ્રકાશ કરે છે અને અનંત કાળ સુધી આપણે બહારમાં પ્રકાશ કરવા ટેવાયેલા છીએ. જેટલો જેટલો બહારમાં પ્રકાશ કરીએ છીએ એટલું અંદરનું અંધારું વધતું જાય છે. બહાર પ્રકાશ કરવાથી અંદરનું અંધારું દૂર ના થાય. અંદરનું અંધારું દૂર કરવું હોય તો ભીતરમાં પ્રકાશ કરવો પડે અને એનાં માટે ભીતરમાં જવું પડે અને ભીતરમાં જવા માટે આ બહાર જોતી આંખોને બંધ કરવી પડે. 

આ આંખો બંધ થયા પછી પણ વૃત્તિઓ અને સંસ્કારો બહારના જ તીવ્ર હોવાના કારણે ધ્યાનમાં પણ તરત ચિત્ત સ્થિર થતું નથી. એ માટે સતત અભ્યાસ અને વૈરાગ્ય કેળવવો પડે છે. સતત વૈરાગ્ય વૃત્તિ અને અંતર્મુખતાનો અભ્યાસ કરવામાં આવે તો અવશ્ય આનંદની અનુભૂતિ થઈ શકે છે. એવું ક્યારેય ન બને કે અંદરની દુનિયામાં કોઈ ગયું હોય અને આનંદ ન મળ્યો હોય. એવું પણ ક્યારેય ન બને કે બહારની દુનિયામાં કોઈ મોહગ્રસ્ત હોય અને આનંદ મળ્યો હોય. બહારમાં આત્માનો આનંદ મળે તો તો ભીતર જવાની કોઈ જ જરૂર નહી રહે. આનંદનો માર્ગ ભીતર જવાથી ખૂલે છે અને સંસારનો માર્ગ બહાર જવાથી ખૂલે છે. દીવો આત્મામાં કરવાનો છે, એ જો કરી શકીએ તો પછી દિવાળી એક દિવસની રહેતી નથી, પછી સાધક માટે નિત્ય દિવાળી જ હોય છે. ધ્યાન થકી અંદર દીવો કરવાની કળા આવળી જાય પછી રોજે રોજ સાધક માટે દિવાળી છે. બહારનો દીવો કરવામાં કષ્ટ વધુ છે, કોડિયું જોઈએ, ઘી જોઈએ દિવેટ જોઈએ, માચીસ જોઈએ, હવા મુક્ત વાતાવરણ જોઈએ. અંદર જવાની યાત્રા અને ત્યાં દીવો કરવાની કળા સાવ સરળ છે. કબીરની ભાષામાં બિન બાતિ બિન તેલ આ દીવો ઝળહળે છે. 

ઉપનિષદ શબ્દ પણ જાણી જોઈને વાપર્યો છે. ઉપનિષદ એટલે પોતાની નજીક બેસવું. પોતાની નજીક બેસે તેને આનંદની અનુભૂતિ થાય. અત્યાર સુધી કોની પાસે બેઠા? હંમેશા આપણી બેઠક બહાર જ રહી છે. ઉપનિષદ કહે છે: પોતાની સાથે રહો તો આનંદ મળે, બીજા સાથે રહો તો દુઃખ મળે. ઉપનિષદ કેટલા છે. હિન્દુ પરંપરામાં ૨૫૧ ઉપનિષદો છે. નામ પણ યાદ નહી રહે. ૨૫૧ માં પ્રમુખ છે ૧૦૮ ઉપનિષદ. પ્રમુખ ઉપનિષદમાં પણ દસ ઉપનિષદો પર આદિ શંકરાચાર્યજીએ ટીકા લખી છે. છાંદોગ્ય ઉપનિષદ, તૈતરિય ઉપનિષદ, નિર્વાણ ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ વગેરે. આ બધામાં આનંદનું ઉપનિષદ ક્યાંય નથી. એ ટાઇટલ મારું આપેલું છે. એ એટલા માટે કે આનંદનું ઉપનિષદ એ ૨૫૧ ઉપનિષદનો સાર છે. મને થયું કે ૨૫૧ તો કોઈ વાંચવાના નથી, એટલે મને થયું કે સાધક જો આનંદનું ઉપનિષદ સમજી લે તો એમનું કામ થઈ જાય. પછી  

મેં પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો અભ્યાસ કર્યો તો મારું મગજ અહોભાવથી ઝૂકી ગયું કેમ કે કોઈ વિષય એવો નથી એમના કાવ્યો અને પત્રમાં કે  એમની લેખની ચાલી ન હોય. આનંદ વિષયને નજરમાં રાખીને એમના પત્રોનું અવલોકન કરતો હતો તો મને લાગ્યું કે આ વિષય પર એમને સીધું કે આડકતરી રીતે ઘણું પ્રકાશ્યું છે. એમના દરેક શબ્દોમાં સમ્યક દર્શનની ઝાંટ છે, આ માત્ર શબ્દો નથી પણ મંત્રો છે, એવું મારું માનવું છે. જ્ઞાની આત્મા સંક્ષિપ્તમાં ઘણું કહી દેતા હોય છે. આનંદના આ સંદર્ભ સાથે આપણે આ વિષયને ખોલીશું. એમનો એક પત્ર હું જોતો હતો ૮૩૨ મો પત્ર, ૧૯૫૪ માં આ લખેલો પત્ર છે. એ પત્રનો હું એક જ પેરેગ્રાફ વાંચું છું. લખ્યું છે: "દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા." આત્મા કેવો છે? દેહથી ભિન્ન. આ બુદ્ધિથી સમજીએ છીએ, આત્માના અનુભવમાં આવી જાય તો એ જ સમ્યક દર્શન છે ને? બીજું લક્ષણ આત્મા કેવો છે? સ્વ પર પ્રકાશક. આત્માનો દીવો એવો છે કે અંદર પણ અજવાળું કરે અને બહાર પણ અજવાળું કરે. ત્રીજી વાત કરી આત્મા જ્યોતિ સ્વરૂપ છે. ત્યાં બારેમાસ નહીં, અનંતકાળ સુધી પ્રકાશ જ રહે છે. 

આ ત્રણેયનો અનુભવ કરવો હોય તો આગળ કૃપાળુ દેવ કહે છે: "એ આત્મામાં નિમગ્ન થાઓ." એ આત્મામાં વિશેષ રૂપે એકાગ્ર થઈ ઊંડા ઉતરો. ઉદાહરણ લઈએ તો પાણીમાં તરવું અને પાણીમાં ડૂબકી મારવી એ બંને વસ્તુ ભિન્ન છે. નિમગ્ન થવું એટલે તરવું નહીં, આત્મામાં ડૂબકી મારવી. આ ધ્યાન વિધિ છે. બીજો ઉપાય બતાવે છે: "હે આર્યજનો અંતર્મુખ થાઓ." નિમગ્ન થવા માટે અંતર્મુખ થવું અનિવાર્ય છે. ચિત્તના મોઢાને અંદરની તરફ વાળો. આ બે વસ્તુ જો કરી શકો તો કૃપાળુ દેવ કહે છે: "અનંત અપાર આનંદનો અનુભવ થશે." આનંદના બે લક્ષણો અહીં મૂક્યા: અનંત અને અપાર. અંત વગરનો આનંદ એટલે અનંત અને પાર વગરનો આનંદ એટલે અપાર. જે આનંદનો અંત આવે તો સમજવાનું એ આત્માનો આનંદ નથી. અપાર એટલે જેની કોઈ સીમા નથી. એ આનંદ ક્યારેય ઘટે નહીં એવો છે. આનંદની અનુભૂતિના બે ઉપાય છે: નિમગ્ન થાઓ અને અંતર્મુખી થાઓ.

હવે એક બીજી વસ્તુ સમજીએ કે દરેક જીવ એ પછી નિગોદનો હોય કે વ્યવહાર રાશિનો હોય, સાધક હોય કે સંસારી, લાલસામાં જીવનાર હોય કે પ્રાર્થનામાં - દરેકનું એક માત્ર લક્ષ્ય છે: આનંદની અનુભૂતિ કરવી. આપણે આ લક્ષ્ય પ્રત્યે જાગરૂક હોઇએ કે ના હોઇએ  પણ દરેકનું મૂળ લક્ષ્ય આ જ છે. સંસારમાં રચ્યા પચ્યા રહેતા કોઈ પણ માણસને તમે પૂછી જો જો કે તમે જે કંઈ કરો છો એ શા માટે કરો છો, મૂળમાં જઈને કારણ ખોજશો તો એ કારણ આનંદની પ્રાપ્તિ જ જોવા મળશે. સારું ખાવું, સારું જોવું, સારું પહેરવું, આ બધું શું કામ? તમે શિબિરમાં આવ્યા શું કામ? ધર્મ કરનાર કે અધર્મ સેવનાર દરેકનું લક્ષ્ય આનંદ છે. દિશા ખોટી હોઈ શકે, લક્ષ્ય ખોટું નથી. થિયેટરમાં મૂવી જોનાર પણ એ જ આનંદ શોધે છે ,જે તમે અને હું ધ્યાનમાં શોધીએ છીએ. પ્રયોજનમાં ભેદ નથી, પ્રયત્નમાં ભેદ છે, એક બહારમાં ખોજે છે, બીજો ભીતરમાં ખોજે છે. એક ખોટી જગ્યાએ આનંદ શોધે છે, બીજો સાચી જગ્યાએ આનંદ શોધે છે. ખોટી જગ્યાએ શોધનાર પણ પાછો ક્યારેક તો અહીંયા જ આવશે, અને સાચી જગ્યાએ શોધનાર પણ ખોટી જગ્યાએ ભટકીને અહીં આવ્યો છે. તો દરેક જીવનું અંતિમ લક્ષ્ય આનંદ છે. આનંદ વગર કોઈ જીવ રહી શકે નહીં અને એટલે જ આનંદ આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવ વગર રહેવું એ જ પીડા અને સંતાપનું કારણ છે.

એક વસ્તુ યાદ રાખી લેવી ઘટે કે દરેક આનંદની શોધના મિશન પર છે. એટલે ખોટી જગ્યાએ શોધતો હોય એવા જીવ માટે પણ અભાવ કે દુર્ભાવ રાખવો નહીં. એ આંધળા જીવની જેમ લાકડીથી ટટોડી ટટોડીને સાચી દિશા શોધી રહ્યો છે. રસ્તો બતાવનાર યોગ્ય સુગુરુનો ભેટો થશે તો એ પણ સુપથ પર આવી જશે. પ્રયાસ તો એ પણ પૂરેપૂરો કરે છે, દિશાનું અજ્ઞાન છે. એ અજ્ઞાનનું આવરણ પણ કાળ લબ્ધિના યોગે કે સત સમજણથી દૂર થશે. એટલે આવા જીવો પ્રત્યે દુર્ભાવ કરવા કરતા કરુણાનો ભાવ રાખજો. પાપીને પણ પાપી માનવાની ભૂલ ભૂલેચૂકે ના કરતા. 

આપણે ભલે માનતા હોઈએ કે આપણને સાચી દિશા મળી ગઈ છે. સાચા માર્ગની સમજણ હોવા છતાં પણ વૃત્તિઓના કારણે અને અતીતના જૂના સંસ્કારોના કારણે આપણે પણ અંદરથી હજું ભટકેલા હોઇ શકીએ છીએ. દુનિયાની નજરે આપણે ધર્માત્મા છીએ પણ આપણી પોતાની નજરમાં જે દિવસે આપણે ધર્માત્મા થઈશું ત્યારે કલ્યાણનો માર્ગ ઊઘડશે. ધર્મનો પ્રયત્ન કર્યા પછી પણ આપણા વિચારોમાં, આચરોમાં, સંસ્કાર અને વૃત્તિઓમાં જો કોઈ ફરક ના આવે તો આપણે પણ બહુ ફૂલાવવા જેવું નથી. એટલે જ કદાચ કૃપાળુ દેવે મુમુક્ષુ વૃત્તિ વાળા જીવને કહ્યું હશે કે " વૃત્તિઓને લખતા રહેજો." વૃત્તિઓ લખવા માટે પહેલા વૃત્તિઓ દેખાવી જોઈએ, દેખવા માટે પોતાનું તટસ્થ અને સૂક્ષ્મ નિરીક્ષણ કરવું પડે. સાધક અને હલુકર્મી જીવ જ આવું કરી શકે તેમ છે.

આનંદની અલગ અલગ ભૂમિકાઓ છે. બહુ જ સ્થૂળ દૃષ્ટિએ વિચારી તો, જો તમારે અડધો કલાકનો આનંદ જોઈતો હોય તો પ્રેમથી જમો. એક કલાકનો આનંદ જોઈએ તો જમ્યા પછી રૂમમાં આવીને સૂઈ જાઓ, એક દિવસનો આનંદ જોઈએ તો પિકનિક પર જાઓ, એક અઠવડિયાનો આનંદ જોઈએ તો મિત્રો સાથે વેકેશનમાં જાઓ, એક મહિનાનો આનંદ જોઈએ તો લગ્ન કરી લ્યો, છ મહિનાનો આનંદ જોઈએ તો નવી ગાડી ખરીદો, એક વર્ષનો આનંદ જોઈએ તો બંગલો બનાઓ, દસ વીસ વર્ષનો આનંદ જોઈએ તો કોઈની સેવા કરો, જિંદગીભરનો આનંદ જોઈએ તો ઈમાનદાર રહો અને જન્મોજન્મનો આનંદ જોઈએ તો આત્માનું અનુસંધાન કરો. કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું: પૂછો આ પ્રશ્નો પોતાની જાતને ! સાચો આનંદ તો આ છેલ્લો જ છે, બાકી તો ક્ષણિક આનંદ જ છે. 

જો આત્માનો સ્થાઈ આનંદ અનુભવવો હોય તો પહેલાં જાણી લેવું ઘટે કે આપણે કેવા પ્રકારના માણસ છીએ? ચાર પ્રકારના માણસોની વાત કરું. પહેલો માણસ તેને કહેવાય જે શરીર કેન્દ્રિત જીવન જીવે છે. આવા માણસને સગવડ બહુ જ પસંદ હોય છે. બીજો માણસ તેને કહેવાય જે મન કેન્દ્રિત છે, આવા લોકો સુખ પ્રિય હોય છે. ત્રીજા પ્રકારના લોકો ચિત્તના સ્તરે જીવે છે, આવા લોકો પ્રસન્ન રહેવાવાળા હોય છે, અને ચોથા લોકો છે આનંદ પ્રધાન, આવા લોકો આત્માનું અનુસંધાન કરતા હોય છે. આ ચાર પ્રકારના હવે પછી વિસ્તારથી સમજીશું.

 

ઉજ્વળ ભવિષ્યના પાંચ સૂત્રો ( Five P ) : - સમણ શ્રુતપ્રજ્ઞ 

જીવનને ઊજળું બનાવવું હોય અને ભવિષ્યને ચમકીલું અને સંતોષનો ઓડકાર આવે એવું બનાવવું હોય તો જીવનમાં પાંચ 'P' અપનાવી લ્યો.

પહેલો P છે: પોઝિટિવિટી: 

જીવનમાં સકારાત્મક બનો. આજના લોકોના માઈન્ડ નેગેટિવ થઈ ગયા છે. એક વસ્તુ યાદ રાખજો કે જેનું મન નેગેટિવ હોય છે એનું મન કમજોર હોય છે. પોઝિટિવ મન એટલે જ પાવરફુલ મન. 

અહીં પોઝિટિવિટીનો અર્થ છે: તમારી પ્રમાણિક મહેનત પછી જે કંઈ પરિણામ મળે તેને સ્વીકારવાની હિંમત. જરા પોતાના જીવનનું નિરીક્ષણ કરીએ અને જોઈએ કે છે આપણામાં આ સકારાત્મક દૃષ્ટિકોણ? 

વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછું જેનો પ્રામાણિક અને યથાર્થ જવાબ આપજો: આપણે પરીક્ષા માટે ભણીએ છીએ કે જ્ઞાન માટે? પરીક્ષા માટે ને? બસ આ જ વિદ્યાર્થીઓની અને શિક્ષણ જગતની કમનસીબી છે.

વિદ્યાર્થીઓ વાંચે ત્યારે તેનું ધ્યાન વાંચવામાં હોય કે આ પરીક્ષામાં આવશે કે કેમ એની ચિંતામાં હોય? શિક્ષણનું લક્ષ્ય જ્ઞાન હોવું જોઈએ પરીક્ષા નહી.

વિદ્યાર્થીઓ માટે ભગવત ગીતા એક ટિપ્સ આપે છે: તું કર્મ કર કેમ કે એ તારા અધિકારમાં છે, ફળ પર તારો અધિકાર નથી. એટલે કે વાંચવામાં, મહેનત કરવામાં તારો અધિકાર છે, પરિણામ શું આવશે એમાં તારો અધિકાર નથી. વિદ્યાર્થીઓ એના જે અધિકારમાં નથી, એ પરિણામની ચિંતા કરે તો શું વળે? કઠોર મહેનત એ જ આપણા અધિકારમાં છે, અને એમાં જો પૂરેપૂરું ધ્યાન રાખીએ તો પરિણામ સારું જ આવશે. મહેનત કર્યા વિના પરિણામની ચિંતા કરશો તો એનું કોઈ સાર્થક પરિણામ આવવાનું નથી. જે આપણા અધિકારમાં છે એના પર ધ્યાન રાખીએ તો જે આપણા અધિકારમાં નથી એ પણ આપણા અધિકારમાં આવી જાય છે. મનમાં ચિંતા, તનાવ અને ડિપ્રેશન આવે છે પરિણામ પર ફોકસ કરવાથી. આજથી એક વસ્તુની ગાંઠ બાંધી લ્યો: જે વસ્તુમાં હવે ફેરફાર શક્ય નથી તેની હું ચિંતા નહી કરું.આ પોઝિટીવિટી છે. 

એક ભાઈને જામનગરમાં યુવાનીમાં સુગરની બીમારી વળગી. મને ચિંતા થઈ અને મે કહ્યુ આ તો તકલીફ વાળુ કામ છે, નાની ઉંમરમાં સુગર, લાઇફ સ્ટાઇલ જરા ડિસ્ટર્બ થઈ જાય. એ ભાઈ પોતાના પોઝિટિવ લહેકાથી બોલ્યા કે સમણજી, સાચું કહું તો તમારા પચાસ પ્રવચનો સાંભળવાથી જે બદલાવ નથી આવ્યો એ એક માત્ર સૂગરની બીમારી આવવાથી આવી ગયો. મેં પૂછ્યું એ કેવી રીતે? તો કે આ રોગ પછી હું સમય પર ઊંઘી જાઉં છું, સમય પર ઉઠી જાઉં છું, બહારનું ખાતો નથી, કામનો ભાર માથા પર ઉઠાવતો નથી, આનંદથી જીવું છે. મને થયું વાહ આ છે સકારાત્મક વિચારની તાકાત.

બીજો P છે: પેશન્સ: 

ધૈર્ય રાખો. ઉપનિષદ કહે છે: ધૈર્ય કંથાઃ એક યોગી માટે ધૈર્ય એ પથારી છે. સાધના કરનારમાં ધૈર્ય જરૂરી છે. મને આશ્ચર્ય થાય કે એક વૈજ્ઞાનિકમાં જે ધૈર્ય છે એટલું ધૈર્ય એક ધાર્મિકમાં નથી. આપણા ભારતીય લોકોમાં ધૈર્યનો અભાવ દેખાય છે.

ધૈર્યનો અર્થ કામ શરૂ જ ન કરવું એ નથી, ધૈર્યનો અર્થ છે કામ કરી લીધા પછી પરિણામની પ્રતીક્ષા કરવી તે છે. આપણે ત્યાં ઉતાવળ એ આપણા ડીએનએ માં છે. આ આદત બદલવી પડશે. આપણે ત્યાં કહેવાય છે ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. 

પ્રવૃત્તિ કર્યાં પછી પરિણામ માટે પ્રતીક્ષા કરવી એ ધૈર્ય છે. હકીકત એ છે કે તમે અનંત પ્રતીક્ષા કરવા તૈયાર હોય તો ઘટના એ જ ક્ષણે ઘટી શકે છે અને આ જ ક્ષણે ઘટના ઘટવાની હોય પણ ધૈર્યના અભાવે અનંત જન્મો લાગી શકે છે.

ત્રીજો P છે: પરફેકશન: 

કોઈ પણ કામ એની પરિપૂર્ણતામાં કરવું, વ્યવસ્થિત કરવું અને આનંદ પૂર્વક કરવું, કોઈ પણ કામને અડધું અધૂરું ન છોડવું. કોઈએ કહ્યું છે: ' જીના હો તો પૂરા જીના, મરના હો તો પૂરા મરના, બહુત બડા અભિશાપ જીવન મે, આધા જીના, આધા મરના.' જીવો તો પૂરે પૂરું જીવો અને મરો તો પણ શાંતિથી પૂરેપૂરા મરો. મરો ત્યારે જીવવાનો વસવસો નહી અને જીવો ત્યારે મરવાનો ભય નહી. 

આપણે ધ્યાન કરીએ તો પણ એમાં પૂરેપૂરા ડૂબતા નથી. પૂજા કરીએ તો પણ અડધું ધ્યાન બીજે ભમતું હોય, સાંભળતી વખતે પણ મનમાં શબ્દોનો કોલાહલ ચાલતો હોય છે. સૂવા જઈએ ત્યારે ભૂતકાળને વાગોળતા હોઈએ છીએ અને ઉઠ્યા પછી ભવિષ્યની યોજનાઓમાં મન લીન હોય છે.

ચોથો P છે: પ્રોમિસ

વચન બદ્ધતા એ પ્રોમિસ છે.તમારી જાતને કહો આ હું કરીશ અને જે કરવાના છો તેને તમે વફાદાર રહો. ઉદાહરણ લઈએ કે હું સવારે પાંચ વાગે ઉઠીશ તો કોઈ પણ ભોગે ઊઠીને જ રહો. પોતે કરેલા સંકલ્પને વળગી રહેવું એ પ્રોમિસ છે.

તમે જ્યારે સંકલ્પ તોડો છો ત્યારે તમારું મન ઢીલું અને કમજોર પડે છે. એટલું જ નહિ પ્રોમિસ પૂરું નહી થાય એટલે તમારા મનમાં શંકાનું ભૂત સવાર થાય છે. કંઈ પણ નવું કરશો એટલે પહેલા શંકા થશે કે આ હું નહી કરી શકું તો!! માટે જે સંકલ્પ કરો તેને વળગી રહો. બીજાને પ્રોમિસ આપતા પહેલા પોતાની જાતને પ્રોમિસ કરો. સંકલ્પ કરો કે આટલું તો હું કરીશ જ. સંકલ્પ કરો કે ખાધા પછી ત્રણ કલાક નહી ખાઉં., રોજ અડધો કલાક મૌન કરીશ વગેરે. દિવસમાં ચાર વખતથી વધુ ફોન હાથમાં નહી લઉં વગેરે.

પાંચમો P છે: પ્રેયર: પ્રાર્થના

પ્રાર્થના વિના બધું જ નકામું છે. તમે બહારથી ગમે એટલા તાકાતવર હોવ પણ જો તમારા જીવનમાં પ્રાર્થના નથી તો અંદરથી તમે ખોખલા અને કમજોર છો. 

ગાંધીજી આટલા વ્યસ્ત હતા છતાં રોજ પ્રાર્થના કરતા હતા. આપણે એમના કરતા પણ વ્યસ્ત છીએ ને? આપણે વ્યસ્ત નથી, અસ્ત વ્યસ્ત છીએ. આપણી પાસે જે જરૂરી નથી એવા બધા કામ કરવાનો સમય છે અને જે બહુ મહત્વના કામો છે એને કાલ પર ઠેલીએ છીએ.  નિયમિત પ્રાર્થનાની ટેવ પાડો, પ્રાર્થનાથી મનોબળ મજબૂત બને છે, અંદરથી આનંદનો ઓડકાર આવે છે, પોતાના પ્રત્યે આદરનો અને આત્મ વિશ્વાસનો ભાવ જાગે છે.

આ પાંચ P ને જીવનમાં વળગી રહેજો, જીવન તમને નવા નવા આયામો સુધી તમને લઈ જશે. આ પાંચ ગુણો તમને અનેક ગુણોના માલિક બનાવશે એવી દ્રઢ નિષ્ઠા સાથે વિરમું છું.

સ્વાસ્થ્યનો હોલિસ્ટિક એપ્રોચ: સમણ શ્રુતપ્રજ્ઞ

સાવધાની સ્વાસ્થ્ય પ્રત્યે:

દરેક મનુષ્યને સ્વસ્થ રહેવું ગમે છે, બીમાર રહેવું કોઈને પણ ગમતું નથી. પરંતુ માણસના મનની સચ્ચાઈ એ છે કે એ સ્વાસ્થ્ય પ્રત્યે, બીમારી આવ્યા પછી જાગે છે, પછી સાવધાન બને છે. વાસ્તવમાં વ્યક્તિએ બીમારી આવે એ પહેલા સાવધાન થઈ જવું જોઈએ. સ્વસ્થ અવસ્થામાં જ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ. આજના આધુનિક યુગમાં અને આર્થિક લાલચના કારણે બીમારીઓનો આવિષ્કાર વધુ થયો છે. નિત્ય નવા રોગો વધી રહ્યા છે. એનું કારણ એ છે કે માણસ પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ નથી. માણસનું આડેધડ ખાનપાન, ઉજાગરા, આળસ અને બેદરકારી જોઈને એવું લાગે છે કે પોતાના આરોગ્યની કોઈને પડી નથી. જો કે કોરાનાની ભયાનકતા જોયાં પછી ઘણા લોકો હવે જાગૃત થયા છે. આ શુભ સંકેત છે.

સ્વસ્થ શા માટે રહેવું?

૧.મનની શાંતિ માટે

૨.સુખી જીવન માટે

૩.ચિત્તની પ્રસન્નતા માટે 

૪. સ્વાવલંબી જીવન જીવી શકાય તે માટે 

૫. વૃદ્ધત્વ દુઃખદ ન બને તે માટે

૬. આધ્યાત્મિક ઉન્નતિ કરી શકાય તે માટે 

૭. અંગ્રેજી દવાઓની આડઅસરથી દૂર રહી શકાય તે માટે

૮.ઇચ્છિત સાત્વિક લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તે માટે 

સ્વસ્થ કોણ?

૧. જેનું પેટ નરમ, પગ ગરમ અને માથું ઠંડું હોય તે.

૨. જે વ્યક્તિ પોતાની મસ્તીમાં અંતર્મુખ રહેતો હોય તે.

૩. જેનું ચિત્ત અંતર્મુખીહોય તે.

૪. જેનું ચિત્ત વારે વારે શરીરના અંગો ઉપર ન જાય તે.

૫. જેનું મન તનાવ મુક્ત છે તે.

સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે:

समदोषः समाग्निश्च

समधातुः मलक्रियाः ।

प्रसन्नात्मेंद्रियमना 

स्वस्थ इत्यभीधियते ।।

*જેના વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષ સમ હોય

*જેની શરીરની અગ્નિ અને સાત ધાતુ સંતુલિત હોય

*જેની શૌચ અને પેશાબ ક્રિયા નિયમિત હોય

*જેની ઇન્દ્રિયો, મન અને આત્મા પ્રસન્ન હોય એ સ્વસ્થ છે.

શારીરિક સ્વાસ્થ્યના સૂત્ર:

૧. સીધા બેસવાનો અભ્યાસ રાખો ૨. ભોજન ચાવી-ચાવીને કરવાની ટેવ રાખો 

૩. જેટલી ભૂખ હોય તે કરતા થોડું ઓછુ ખાવ 

૪. અપાન વાયુ દૂષિત ના થાય તેનું ધ્યાન રાખો.

૫. નિયમિત 30થી 40 મિનિટ કસરત કરો અથવા ચાલવાનું રાખો અથવા પરસેવો પડે એટલો શ્રમ કરો

૬. ગાઢ નિદ્રા લ્યો અને

૭. સ્વભાવ હસમુખ રાખો 

માનસિક સ્વાસ્થ્યના સૂત્રો:

૧.વર્તમાનમાં જીવવાની ટેવ રાખો 

૨.ઈચ્છાઓને મર્યાદિત રાખો 

૩. ક્ષમતાથી વધુ જવાબદારી માથા પર ન ઉઠાવો 

૪. ઇન્દ્રિય અને મનને વશ ક્યારેય ના થાય 

ભાવનાત્મક સ્વાસ્થ્યના સૂત્રો

૧. પોતાના સંવેગો અને આવેગો ઉપર વિવેક પૂર્વકનું નિયંત્રણ રાખો

૨. પોતાની લાગણીઓને કાબૂમાં રાખો 

૩. બીજાની નકારાત્મક વાતોને અથવા બીજાની નકારાત્મક કોમેન્ટ્સને બહુ મહત્વના ના આપો

૪. પોતાનાથી કોઈ ભૂલ થઈ જાય તો ક્ષમા માંગી લો

૫. હંમેશા ભીતરમાં નમ્રતા ધારણ કરો અને સૌ પ્રત્યે નમ્ર વહેવાર કરો.

 આધ્યાત્મિક સ્વાસ્થ્યના સૂત્રો

૧. હંમેશા આત્મ નિરીક્ષણ કરો 

૨. રોજ ૨૦ મિનીટ ધ્યાન ધરો 

૩. રોજ ઓછામાં ઓછું 15 મિનિટ સ્વાધ્યાય કરો અથવા કંઈક સારું સાંભળો 

૪. આખા દિવસમાં થોડો સમય પ્રકૃતિ સાથે વિતાવો.

 આ બધું કરવાથી માણસ તનથી, મનથી, ભાવથી અને આત્માથી સ્વસ્થ રહી શકશે. આ ચારમાંથી કોઈ પણ એક સ્વાસ્થ્ય બગડે છે તો તેની અસર બીજા તબક્કા ઉપર થયા વિના નથી રહેતી. કારણ કે આપણું અસ્તિત્વ સમગ્રાત્મક છે, અખંડ છે અને એટલે તનની અસર મન ઉપર અને ભાવ ઉપર થાય છે. મનની અસર તન ઉપર અને ભાવ ઉપર થાય છે. ભાવોની અસર શરીર ઉપર, મન ઉપર અને આત્મા ઉપર થાય છે. ચાલો આપણે અસ્તિત્વના આ ચારેય સ્તરોને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખવા યત્નશીલ બનીએ, સ્વાસ્થ્યના આ સમગ્ર દૃષ્ટિકોણને આજની ભાષામાં હોલિસ્ટિક એપ્રોચ કહે છે.

હું આશા અને વિશ્વાસ કરું કે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં માણસે પોતાની જાત સાથે બેસીને પોતાની જાત પ્રત્યે વિચારવું પડશે, પોતાના જીવન પ્રત્યે વિચારવું પડશે, પોતાના આરોગ્ય પ્રત્યે વિચારવું પડશે અને પોતાના આત્મિક વિકાસ પ્રત્યે વિચારવું પડશે. કોરાના આક્રમણના અનુભવ પછીનો આ સમય આડેધડ જીવવાનો જરા પણ નથી. આ સમય બહુ સાવધાન રહીને, સજાગ રહીને અને યોજનાપૂર્વક, આયોજન કરીને જીવવાનો સમય છે. સત્પુરુષોનું યોગ બળ આપણને સૌને સર્વ રીતે નિરામય રહેવાની પ્રેરણા પૂરી પાડે અને આપણે એ દિશામાં જાગૃત બનીએ એવી સદભાવના સાથે વિરમું છું.

Emotions are good Being emotional is not good: Samanji

Emotions are good Being emotional is not good ( Discourse given by Saman Shrutpragyaji at Memphis, USA on May 13, 2021 )

Bhav is good but Bhavukta is bad

Emotions get irritated then gets frustration and then gets anger and Dhvesh

Dhvesh(hateret) is compressed anger

Bhav is positive emotions brings 4 thing

1 compession

2  Maitry Bhav ( Friendlyhood )

3 appreciation gratitude

4 ignore negativity (not react)

Getting tooooo happy or tooo sad are negative emotions 

Three ways

1 Don’t promise out of too much excitement and happiness 

2 Never make decision when mental state is disturbed (instead wait, relax and then make it)

3 When you are angry then don’t say anything at that time

 

What happens When someone is go through   unfavorable situations

1 Denial then

2 Anger then

3 Arguments then

4 depression 

5 Acceptance (ultimate positive step)

☝️ Example when Corona came first in India 

 

Who is weak and who is strong (emotionally )

If you want anyone to change or situation to change then you are the weak person because you think I’m prefact and I don’t make any mistake. 

Strong person is the person who accept the way the other person or situation are. 

 

What to do to balance emotions?

1 try to energize your body (yogic or sports or physical activity)

2 connect yourself with nature

3 keep your stomach and body clean (don’t eat grains all the time)

4 take charge of your own feelings and emotions (meditation helps, don’t react on small stuff, write your feelings on papers or share with only closed one, share your emotions and have someone listen to it, adapt spiritual practice such as reading or satsang)

They are all Nimitt☝

 

Attachment (Rag, Dwesh) are the reason for all the emotions

If you want to work on balancing emotions then work on your attachments

Acceptance or (anitya bhav) teaches us that no situation is permanent. Whatever is United are going to get divided and can bring sadness 

When person is emotionally disturb will have what kind of Gati at the end of life?

 

We have to prepare our mind to detach ?

- Whatever I have now will go away one day no matter what so that we have to accept. 

 - Anxiety or fear came is not a problem but how long you hold on to it is a problem. Don’t hold on to it for too long. 

 - Each and every Saiyog has viyog and accept it. 

 - Each nd everyone have to go through their own pain and suffering. No one can take it away. (Anyatva Bhavna)

    Janma, jara, budhapa, mrutyoo everyone has to go through. 

end the session with: 

1. Have Gratitude feeling for emotional balance and peace .

2. Don’t take anything for granted. Be flexible with your attitude. Don’t be stubborn No Ego: No Hurt, be humble.

3. Whenever it’s negative situation then don’t react on the spot instead wait relax and then decide to respond.

These all will bring positive attitude to family and kids. Upbringing of kids like this can affect kids sanskar.

લેશન: 1: પૂછો તમારી જાતને ત્રણ પ્રશ્નો : સમણ શ્રુતપ્રજ્ઞજી
વ્હાલા વિદ્યાર્થીઓ અને યુવાનો !

આપણે બહુ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ, માનવીય મૂલ્યો વિસરાઈ રહ્યા છે. ચારેય બાજુ અંધારું છવાઈ રહ્યું છે. આશાની કિરણ બહુ જ દૂર છે. આવી સ્થિતિમાં મનથી વધુ સ્ટ્રોંગ થવાની જરૂર છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સંપૂર્ણપણે તૈયાર રહેવું પડશે. જૂની પેઢી અને એમાંય સફળતાની ટોચ પર બેઠેલાં લોકો માત્ર આંધળી આર્થિક દોડમાં લાગેલા છે. એ લોકો માનવતાનું ભારે નુકસાન કરવાની ફિરાકમાં છે. માટે વિદ્યાર્થીઓએ અને યુવાનોએ હવે વધુ સજાગ થવાની જરૂર છે. આવી સંકટની ઘડીમાં સમયની બરબાદી જીવનની બરબાદી છે - એમ સમજજો અને સાવધાન થઇ જીવન વિશે પુનર્વિચાર કરજો. પરિસ્થિતિ છે તે છે, એમાંથી કોઈ પણ રીતે બહાર આવી મહાજીવન તરફ આગળ વધવાનું છે. એ દિશામાં નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ હેતુથી વિદ્યાર્થીઓ અને યુવાનો માટે સ્પેશિયલ લાઈફ લેશન ચાલુ કરી રહ્યો છું. આશા છે આ આપણને ઉપયોગી થશે. સમણ શ્રુતપ્રજ્ઞજી

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

લેશન: 1: પૂછો તમારી જાતને ત્રણ પ્રશ્નો

વ્હાલા વિદ્યાર્થીઓ અને યુવાનો

કબીરજીએ કહેલી એક વાત હું ક્યારેય ભૂલતો નથી - "તારો જન્મ થયો ત્યારે  રડ્યો હતો, પરંતુ દુનિયાના લોકોએ હસીને તારી ખુશી મનાવી હતી. હવે એવું જીવન જીવજે કે તું મરે ત્યારે તારા ચહેરા પર હાસ્ય હોય, પણ તારી પાછળ જગત રડતું હોય."આજે આપણે જે બહુ દૂર છે - ચંદ્ર અને મંગળ, તેની નજીક જઈ રહ્યા છીએ, આજે એકબીજા સાથે સંપર્કમાં રહી શકાય તેવા માધ્યમો - વૉટ્સઅપ અને ઇન્સટ્રાગ્રામ, ઇમેઇલ અને ફેસબુક આપણી પાસે છે અને છતાં માનવી એકબીજાથી જેટલો વિખૂટો આજે છે, આટલો વિખૂટો ક્યારેય નહતો. આપણે માનવજાત સાથેનો સ્પર્શ  જાણે ખોઈ બેઠાં છીએ. જીવનના મૂળ ધ્યેય સાથેનો નાતો  જાણે તૂટી ગયો છે. જે વસ્તુ જીવનમાં મહત્ત્વની છે   આપણી નજર બહાર થઇ ગઈ છે.
આજે ત્રણ પ્રશ્નો તમારી જાતને પૂછજો -

1.  ગ્રહ પર તમને જીવવાનો અવસર મળ્યો છે તો તમે કેટલા લોકોના જીવનને સ્પર્શશો?

2. તમારા જીવનનો પ્રભાવ તમારી આજુબાજુના લોકો પર શું હશે?

3. જીવનના અંતિમ શ્વાસ લીધા પછી તમારી પાછળ તમે કયો વારસો મૂકીને જશો?

મારા પોતાના જીવનમાંથી હું એક બોધપાઠ શીખ્યો છું: જો જીવનમાં તમે કાંઈ  કામ નહિ કરો તો જીવન તેની આદત મુજબ તમારા પર હાવી થઇ જશે. કલાકો, દિવસો। મહિનાઓ અને વર્ષો એમને એમ સરકતા જશે અને એમ કરતા કરતા જોતજોતામાં  બહુમૂલ્ય જીવન પૂરું થઇ જશે. પછી તમારી પાસે શું બચશે? જીવન  જીવી શક્યાનો ભારોભાર વસવસો.

 - સમણ શ્રુતપ્રજ્ઞજી

   

Embrace Happiness, not Helplessness! By Saman Shrutpragyaji

In this world, there is probably no one who has never been helpless, hopeless, or sad. At some point in life, we all pass through extreme situations which shake us up. While sitting in a bath tub full of water, you cannot expect to be dry. You have to get up, get out, and use a towel. Similarly, one has to change their situation by doing something about it. One has to think of the solutions, and find a way to execute the right solution to solve the problem. Just like when you see an insect on your body, you immediately shake it off because you know it may harm you. Similarly, when you feel helpless, hopeless, or sad, you must quickly shake it off and move forward.

If you don’t focus on finding a solution, helplessness will persist. When it persists for a long time, it can become dangerous and lead to depression. You may feel life has become useless and it is not worth living. You may become aloof and quiet or become very angry and frustrated even to the point of harming yourself. So, it is very important to take the initiative, request help if necessary, and find a way to come out of such situations as soon as possible.

When you have issues in relationships, you may break up the relationship but you are never able to disassociate yourself completely. In today’s technology terms, instead of permanently deleting such miseries from your life forever, you continue to save them in the recycle bin. This will clog up your life and you will not be able to function properly. Please remember that all relationships pass through phases and this shall pass too. Sometimes you may give too much importance to one person and when that person moves away, you may fall apart. But remember that just like no mountain can stop a stream from flowing, you must also continue to flow and move forward. Don’t forget that your life is linked with many other individuals and you need to fulfill your responsibilities towards those relationships also.

In good times, everyone feels strong and confident. But your willpower is truly tested during tough times, and it is only when you rise from crisis that you emerge as a more successful, a more confident, and a stronger person than before. If we look into the life stories of famous people, we find that each one of them went through tough times too. However, they never gave up. It is their courage to rise above the situation that led them to become successful and famous.

Remember that we all are human beings and just as we experience moments of happiness in our lives, we will face moments of sadness too. But never let these moments make you weak. Don’t take life too seriously. Do not let stress build. Only you can deal with your stress. It is paramount that you accept life as it is. You must face the situations, and remove the obstacles for a clear path forward. Laughter and happiness are always near you, so embrace them instead and be happy!

To be happy, exercise regularly, practice meditation and pranayama, read spiritual books, keep a positive attitude, and above all smile more everyday.

અનુચિન્તન: 24: વ્યસ્તતાના વ્યસની ન બની જતા!
જીવનમાં એક વસ્તુ એવી છે જેના પર ક્યારેય સો ટકા વિશ્વાસ મૂકી ન શકાય અને એ વસ્તુ સમય છે. સમય ક્યારે માણસના મનસૂબા ઉથલાવી દે તે કહી શકાય નહિ. આપણે બધા સારી રીતે જાણીયે છીએ કે આપણું ધાર્યું કંઈ થતું નથી. કરવું હોય છે કંઈક અને થઇ જાય છે કંઈક. આપણે ધાર્યું ન હોય અને એવું જો થઇ જાય તો આપણે તેને ચમત્કારમાં ખપાવીએ છીએ. અને એ પ્રમાણે ન થાય તો આપણે નસીબને દોષ આપવા સિવાય કાંઈ કરતા નથી. સમયની એ ફિતરત છે કે આપણી સમજની પરે હોય એવું જ એ કરતો ફરે છે. ઘણી વાર અનુભવ્યું હશે કે રમત રમતમાં લીધેલું જોખમ અને નિર્ણય આરામથી પાર પડી જાય છે અને ક્યારેક ખૂબ વિચારીને અને યોજનાબદ્ધ રીતે ગણતરી બાંધીને લીધેલા નિર્ણયો નિષ્ફળ જાય છે. 

કોઈએ સપને પણ વિચાર્યું'તું કે કોરોના આપણી આ દુર્દશા કરશે? અરે ! એ કોરોના ચાઈનામાં હતો ત્યારે પણ આપણને લાગતું હતું કે એ તો ત્યાંનો પ્રોબ્લેમ છે, એ આપણા સુધી થોડો પહોંચશે અને પહોંચશે તો આટલું ભયાનક એનું રૂપ હશે એવી કોણે ધારણા બાંધી હતી? અતિ વ્યસ્ત રહેતા આપણે લોકો ઘરમાં બે મહિના સુધી બંધ રહીશું - ક્યારેય વિચાર્યું હતું? પહેલા આખી દુનિયા બીઝી હતી, ફુરસદ લક્ઝરી બની ગઈ હતી, માણસ પાસે બીજા માટે તો ક્યાં પોતાના માટે પણ સમય નહોતો, આજે સમય ક્યાં પાસ કરવો એ સમસ્યા છે, ફુરસદ સાવ સસ્તી બની ગઈ છે, હવે પોતા માટે અને સૌ માટે સમય જ સમય છે. પરંતુ ધ્યાન રાખજો લોકડાઉન ખૂલી ગયું છે અને ખૂલી રહ્યું છે. ફરી પાછા આદતવશ વ્યસ્તતાના વ્યસની ન બની જતા. મને ખબર છે આ વ્યસન છૂટવાનું નથી !

એક વાત યાદ રાખજો, સમયને ફરી જીવી શકાતો નથી. વીતેલો સમય માત્ર સ્મરણ બનીને રહી જાય છે. આજે હું આપને એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં જે આવે તેને ખૂબ પ્રેમ આપજો, સન્માન આપજો, સમય આપજો, જે ક્ષણ જેની સાથે મળે એ મનભરીને જીવી લેજો,પોતાની વ્યક્તિ ન હોય ત્યારે માણસ અફસોસ કરતો રહે છે કે આમ કરવાનું રહી ગયું. લતા હિરાણીએ એમની કૃતિમાં સરસ લખ્યું છે - ' હું મૃત્યુ પામીશ અને તારા આંસુ વહેશે, જેની મને ખબર નહિ પડે, તું અત્યારે જ થોડું રડ ને ! હું મૃત્યુ પામીશ પછી તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહિ કરી શકું, તું એ બે શબ્દો હમણાં જ બોલ ને ! હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ, જે હું જાણી નહિ શકું, તું મને હમણાં જ માફ કરી દે ને ! એટલે જ કહું છું અવસરની રાહ ન જુઓ, રાહ જોવામાં ઘણીવાર બહુ મોડું થઇ જાય છે. જો તમારી પાસે તમારા લોકો માટે સમય ન હોય તો માનજો કે તમે સૌથી વધુ ગરીબ છો !
  
- સમણ શ્રુતપ્રજ્ઞજી                                                                              
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 
અનુચિન્તન: 23: જાણવું સહેલું છે, અમલમાં મૂકવું અઘરું પડે છે
ટેક્નોલોજી અને મીડિયાના માહોલમાં આપણે બધા બહુ જ્ઞાની થઇ ગયા છીએ, આપણું જ્ઞાન આપણને કેટલું કામ આવે છે એના પર ચિંતન કરવું જરૂરી છે. બીજાને સમજાવવા આપણે બધા જ્ઞાની છીએ. ઘણા ખરા લોકો પોતાના વોટ્સએપના સ્ટેટસમાં સુંદર મજાના સ્લોગન મૂકે છે, પણ એ સ્લોગન બીજાને ઈમ્પ્રેસ કરવા માટે હોય છે કે પોતાના જીવનમાં ઈમ્પ્લીમેન્ટ કરવા માટે? જેટલા સુંદર અને પ્રેરણાદાયી વાક્યો આપણે શૅર કરીએ છીએ એમાંનું એકાધ વાક્ય પણ આપણે અમલમાં મૂકીએ તો કામ થઇ જાય - પણ આવું આપણે લગભગ કરતા નથી, કેમકે ખૂબ અઘરું પડે છે. 

હમણાં કોરોનાના વિકટ માહોલમાં કેટલી જ્ઞાનવર્ધક વાતો સાંભળવા મળે છે, બહાર ન જઈ શકો તો અંદર જાઓ - આ વાક્ય ખૂબ ઊપડ્યું, પણ કોણ અંદર જાય છે? કોણ અંદર જવાનો અર્થ પણ સમજે છે? અંદર જવું એટલે ધ્યાનમાં બેસવું આ કોને ખબર છે? કેમકે આ જ્ઞાન એક તો ઉધાર લીધેલું છે અને પ્રવૃત્તિનું જેને વ્યસન થઇ ગયું છે એના માટે ધ્યાનથી અઘરું કશું નથી. એ ધ્યાનમાં બેસી જ નહિ શકે.. 

બધાને હવે ખબર પડી ગઈ છે કે કોરોનાની કોઈ દવા નથી, રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ જ એનો સ્થાઈ ઉપાય છે. પ્રાણાયામ કરીને આ વધારી શકાય છે એ પણ હવે જાણી લીધું છે છતાં કેટલા લોકો પ્રાણાયામ નિયમિત કરતા હશે? કોઈ વસ્તુની ખબર જ ન હોય તો એવી વ્યક્તિને મૂર્ખ કહેવાય પણ જેને ખબર છે છતાં એ પ્રમાણે કરે નહિ તો એને શાસ્ત્રમાં મૂઢ કીધા છે. દુનિયામાં મૂર્ખ ઓછા છે, મૂઢ વધુ છે. 

એક પોલીસના ઘરે ચોર ઘૂસ્યા, પત્નીએ પતિને કહ્યું - જાગો, જુઓ, ચોર આવે છે. પતિ કહે મને ખબર છે તું શાંતિથી સૂઈ જા. ચોર ખરેખર ઘરમાં ઘૂસ્યો, પત્નીએ પતિને કહ્યું જુઓ ચોર અંદર આવ્યો છે, ફરી પતિએ એ જ જવાબ આપ્યો મને ખબર છે, તું ચિંતા ન કર. થોડીવારમાં ચોર કિંમતી વસ્તુ ઉપાડીને ભાગ્યો, ફરી પત્નીએ કહ્યું પણ પેલો આપણી વસ્તુઓ લઈને ભાગ્યો, હવે તો કંઈક કરો, ત્યારે પોલીસે કહ્યું - હમણાં હું ડ્યૂટી પર નથી, શાંતિ રાખ. એને શાંતિ રાખી અને ચોરે પોતાનું કામ પતાવી દીધું. બસ, કરવાની વાત આવે એટલે આ એક જ ડાયલોક બોલીયે છીએ હમણાં હું ડ્યૂટી પર નથી, 
  
- સમણ શ્રુતપ્રજ્ઞજી 
 પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ