Blogs Details

અધ્યાત્મના પાંચ સૂત્રો: ​​​​​​​​​​​​​​સમણ શ્રુતપ્રજ્ઞ

Peace of Mind

અધ્યાત્મનો અર્થ માત્ર પૂજા, પ્રાર્થના, મંદિર કે ધાર્મિક વિધિ નથી; પરંતુ પોતાની અંદરની મર્યાદાઓથી ઉપર ઉઠીને વધુ જાગૃત, સ્વતંત્ર અને સત્યપૂર્ણ જીવન તરફ જવાની પ્રક્રિયા છે. આધ્યાત્મિક જીવનના પાંચ સૂત્રો સૌને ઉપયોગી થશે. 

૧. પોતાની જવાબદારી સ્વીકારવી:

અધ્યાત્મનો પ્રથમ અને સૌથી મૂળભૂત સૂત્ર છે—દોષારોપણ છોડીને જવાબદારી સ્વીકારવી. મારી પરિસ્થિતિ માટે સમાજ, પરિવાર, નસીબ, કર્મ કે બીજાને સતત જવાબદાર ગણાવતા રહેવું સહેલું છે. પરંતુ જ્યાં સુધી હું મારા જીવનની જવાબદારી બીજાને માનું છું, ત્યાં સુધી હું અંદરથી સ્વતંત્ર બની શકતો નથી. અધ્યાત્મ એટલે પોતાની આદતો, વિચારો, નિર્ણયો અને કર્મોને ઈમાનદારીથી જોવાની અને સમજવાની હિંમત. 

સૂત્ર:

બીજાને બદલવાની નહીં, પોતાની જાતને સમજવાની અને ઘડવાની શરૂઆત કરો.”

૨. અંધ માન્યતાથી મુક્તિ: 

અધ્યાત્મનું બીજો સૂત્ર છે—પ્રશ્ન કરવાની હિંમત. આપણી પરંપરા જૂની છે એટલે એ સાચી હોય એવું જરૂરી નથી. સમાજ માને છે એટલે સત્ય હોય એવું પણ જરૂરી નથી. કોઈ ગુરુ, પુસ્તક કે વ્યક્તિએ કહ્યું છે એટલે તેને આંખ બંધ કરીને સ્વીકારી લેવું એ અધ્યાત્મ નથી. સાચો આધ્યાત્મિક માણસ પૂછે છે - આ ખરેખર સત્ય છે? કે હું માત્ર ભય, પરંપરા અને સામાજિક દબાણને કારણે તેને માની રહ્યો છું?” શિક્ષણનું સાચું કાર્ય પણ માહિતી ભરવાનું નહીં, ચેતનાને જગાડવાનું છે. એ જ રીતે અધ્યાત્મનું કાર્ય પણ નવા વિચારો ભરવાનું નહીં, પરંતુ અંદરના અજ્ઞાનના પડદાને હટાવવાનું છે.

સૂત્ર:

અધ્યાત્મ માન્યતાઓનો સંગ્રહ નથી; સત્યની નિર્ભય શોધ છે.”

૩. સાદગી અને અસલિયત:

આપણે જીવનમાં અનેક મહોરાઓ પહેરીને ફરીએ છીએ - ઘરે એક, સમાજમાં બીજો, કામ પર ત્રીજો અને લોકો શું કહેશે તેના ભયમાં ચોથો. આ સતત નકલી અભિનય માણસને પોતાની અસલ ઓળખથી દૂર લઈ જાય છે. અધ્યાત્મ એટલે આ બનાવટી ચહેરાઓને ધીમે ધીમે ઉતારવા. બીજાને પ્રભાવિત કરવા માટે જીવવાને બદલે પોતાની આંતરિક સચ્ચાઈ પ્રમાણે જીવવું. જીવનમાંથી બિનજરૂરી દેખાવ, સરખામણી, પ્રતિષ્ઠાની ભૂખ, પૈસાથી મળતી ઓળખ અને બીજાની નકલ - આ બધું ઓછું કરવું એ પણ આધ્યાત્મિક સાધના છે. જેમ મૂર્તિકાર પથ્થરમાંથી મૂર્તિ બનાવતો નથી, પરંતુ બિનજરૂરી પથ્થર દૂર કરે છે; તેમ અધ્યાત્મ પણ આપણામાં કંઈ નવું ઉમેરવાનું નથી, પરંતુ અસલ સ્વરૂપને ઢાંકી રહેલું બિનજરૂરી છે તેને દૂર કરવાનું નામ છે.

સૂત્ર:

અધ્યાત્મ એટલે કંઈક બનવું નહીં; જે નથી તેમાંથી મુક્ત થઈને જે છીએ તે બનવું.”

૪. દુઃખથી ભાગવું નહીં, તેને જાગૃતિમાં રૂપાંતરિત કરવું:

આ કદાચ અધ્યાત્મનું સૌથી ઊંડું સૂત્ર છે. સામાન્ય માણસ સુખ શોધે છે અને દુઃખથી ભાગે છે. પરંતુ આધ્યાત્મિક યાત્રા આપણને શીખવે છે કે દુઃખ પણ જાગૃતિનું દ્વાર બની શકે છે. કેટરપિલર માટે કોશેટામાંથી બહાર આવવું પીડાદાયક છે, પરંતુ એ જ પીડા પછી તેને પાંખો મળે છે. આપણા જીવનમાં પણ કેટલીક પીડાઓ આપણને તોડવા માટે નહીં, આપણી જૂની સીમાઓ તોડવા માટે આવે છે. પ્રશ્ન એ નથી કે “મને દુઃખ કેમ મળ્યું?” વધુ મહત્વનો પ્રશ્ન છે - આ દુઃખ મને શું શીખવવા આવ્યું છે?” જ્યારે દુઃખ ફરિયાદમાંથી સમજણ બને છે, ત્યારે તે આધ્યાત્મિક બની જાય છે.

સૂત્ર:

દુઃખને માત્ર સહન ન કરો; પરંતુ તેને સમજણમાં રૂપાંતરિત કરો.”

૫. જીવનમાં પ્રેમ, સત્ય અને જાગૃતિ ઉતારવી:

અધ્યાત્મનો અંતિમ અને સૌથી વ્યવહારુ માપદંડ છે—મારું જીવન કેટલું બદલાયુંમંદિરમાં કેટલો સમય બેઠો, કેટલા મંત્ર કર્યા, કેટલાં પુસ્તકો વાંચ્યાં - એથી વધુ મહત્વનું છે કે હું માણસો સાથે કેવો વ્યવહાર કરું છું.

શું મારા સંબંધોમાં સન્માન છે?
શું મારા કામમાં ઈમાનદારી છે?
શું હું કોઈનું શોષણ કરતો નથી?
શું હું બીજાની સ્વતંત્રતાનો આદર કરું છું?
શું મારી પાસે જે છે તે વહેંચી શકું છું?
શું હું સુખ અને દુઃખ બંનેને સ્વીકારી શકું છું?

અધ્યાત્મ જો વર્તનમાં ન આવે તો તે માત્ર વિચાર છે. જ્યારે સત્ય આપણા વ્યવહારમાં આવે, પ્રેમ આપણા સંબંધોમાં આવે અને જાગૃતિ આપણા દરેક કર્મમાં આવે - ત્યારે અધ્યાત્મ જીવન બને છે.

સૂત્ર:

અધ્યાત્મ માનવાથી નહીં, જીવવાથી આવે છે.”

આ પાંચ સૂત્રોનો સાર

જવાબદારી પ્રશ્ન અસલિયત દુઃખની સમજ જાગૃત જીવન

આ રીતે જોવામાં આવે તો અધ્યાત્મ આરામ મેળવવાની પ્રક્રિયા નથી; પોતાની માની લીધેલી સીમાઓથી ઉપર ઊઠવાની પ્રક્રિયા છે અને જ્યાં સુધી અંદરથી “હું જે છું તેમાં જ સંપૂર્ણ ખુશ છું” એવી જડતા છે, ત્યાં સુધી સાચી શોધ શરૂ થતી નથી. જ્યારે અજ્ઞાનમાં રહેવાનું દુઃખ, સગવડ શોધવાના દુઃખ કરતાં મોટું બની જાય - ત્યારે જ સાચી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે.